નવી દિલ્હીઃ ટ્વિટરના નવા વડા એલન મસ્કે લગભગ 4000 કર્મચારીઓને બરતરફ કર્યા છે અને હવે બીજી ભરતી કરી રહ્યા છે. તાજેતરમાં જ્યોર્જ હોટ્ઝને નોકરીએ રાખ્યા છે. જ્યોર્જ હોટ્ઝે 2007માં આઇફોનમાં હેકિંગ કરી ખ્યાતિ મેળવી હતી. તે સમયે આઇફોનને અનલોક કરનાર તે પ્રથમ વ્યક્તિ હતા. એક સમયે મસ્કના સ્પેસએક્સ સાથે સંકળાયેલા હોટ્ઝ હવે ટ્વિટર પર સર્ચ ઓપ્શનને ઠીક કરવાનું કામ કરશે. તેમની પાસે ખામીને ઠીક કરવા માટે 12 અઠવાડિયાનો સમય છે. સામાન્ય રીતે આ કામ પૂરું કરવામાં ઇજનેરોને વર્ષો લાગે છે.

મસ્કે ઓફર આપી

આ બાબતે હોટ્ઝે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ કામ મૃત વિશ્વમાં મૂડી એકઠી કરવા અંગે નહીં પણ વિશ્વને જીવંત બનાવવા અંગે છે. ત્યારે મસ્કે તેના ટ્વીટનો જવાબ તેને ઓફર આપી હતી. હોટ્ઝે કહ્યું કે તે લાંબા સમય સુધી કંપનીમાં જોડાવા માંગતો નથી. તેણે કહ્યું કે તે મુશ્કેલ કોડબેઝમાં કામ કરે છે. હું 12 અઠવાડિયામાં આ 1000 માઇક્રો સર્વિસિસમાંથી કેટલાકને ડોક્યુમેન્ટેશન કરવામાં અને ક્લીન કરવા રિવર્સ એન્જિનિયરિંગમાં મદદ કરી શકું છું.

ટ્વિટર સર્ચમાં ક્ષતીની ફરિયાદો

હોટઝે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તે ટ્વિટર પર ઇન્ટર્ન છે અને 12 અઠવાડિયામાં ટ્વિટરની બ્રોકેન સર્ચને ઠીક કરવા માટે તેને રાખવામાં આવ્યો છે.

ટ્વિટર સર્ચ વિશે હોટઝે તેના ફોલોઅર્સને પૂછ્યું કે શું તેઓ ગૂગલ સર્ચની જગ્યાએ ટ્વિટર સર્ચનો ઉપયોગ કરશે? ટ્વિટર સર્ચની ગુણવત્તા તમને કેવી લાગે છે? ગૂગલને બદલે ટ્વિટર સર્ચનો ઉપયોગ કરવા માટે તમને શું મળશે?

આ સવાલના જવાબમાં એક યુઝરે જવાબ આપતા કહ્યું કે સર્ચ હજી પણ ખરાબ છે. હું કંઈક શોધી રહ્યો હોવ અને હું 1 કેરેક્ટર પણ હટાવી દઉં, તો હું જે શોધી રહ્યો હોવ તે મળતું નથી. હોટ્ઝ આ યુઝરના નિરીક્ષણ સાથે સંમત થયા અને કહ્યું કે તે ખામીને સુધારવા માટે સરળ રીતો શોધશે.

ગૂગલ, ફેસબુક અને સ્પેસએક્સમાં કામ કરી ચૂક્યા છે

હોટ્ઝના બેકગ્રાઉન્ડ અંગે વાત કરીએ તો તે કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. હોટ્ઝ ગૂગલ, ફેસબુક અને સ્પેસએક્સ સાથે ઇન્ટર્નશિપ કરી ચુક્યા છે. તેઓ 2012થી 2018 સુધી comma.ai સીઈઓ હતા.

આ પણ વાંચોઃ એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને આપી ખુશખબર, 22 મહિના બાદ ટ્વિટર પર વાપસી થઈ

ઉલ્લેખનીય છે કે, ટ્વિટરે છેલ્લા એક મહિનામાં લગભગ 4000 કર્મચારીઓ સાથે છેડો ફાડી નાંખ્યો છે. મસ્કની હાર્ડકોર વર્ક કલ્ચરના કારણે કેટલાક કર્મચારીઓએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું. ઇમેઇલમાં મસ્કે કર્મચારીઓને હાર્ડ વર્ક કલ્ચર માટે કમિટેડ થવા જણાવ્યું હતું. આમ કરવામાં નિષ્ફળ જતા કર્મચારીઓ પાસે નોકરી છોડવાનો વિકલ્પ પણ હતો અને મોટાભાગના કર્મચારીઓએ નોકરી છોડવાનું નક્કી કર્યું હતું.

Published by:Vrushank Shukla

First published:

Tags: Elon musk, IPhone, Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here