રાજકોટમાં લગ્ન પ્રસંગમાં દાંડિયારાસ રમ્યા બાદ ઘરે પરત આવ્યા બાદ અચાનક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું અને ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. દાંડિયારાસમાં યુવક રાસ રમતો હોય તેવા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં યુવક દાંડિયારાસ રમતો નજરે પડે છે.

રાજકોટમાં મવડી મેઇન રોડ પર આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને પીરવાડી પાસે કારખાનું ધરાવતા અમિત વસંતભાઈ ચૌહાણ નામનો 36 વર્ષનો કારખાનેદાર યુવાન રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવિયાનગર પોલીસને જાણ કરતા માલવિયાનગર પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક અમિત ચૌહાણ ત્રણ ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તમેજ તેને સંતાનમાં એક પુત્ર છે. અમિત ચૌહાણ પીરવાડી પાસે સોની કામની ડાઇ બનાવવાનું કારખાનું ચલાવતા હતા બાજુમાં જ રહેતા કૌટુંબિક ફઈના દીકરા અક્ષય ખેરૈયાના લગ્ન હોવાથી રાત્રિના દાંડિયારાસનો કાર્યક્રમ હતો. તેમાં અમિતભાઈ ચૌહાણ દાંડિયારાસ રમવા ગયા હતા અને દાંડિયારાસ રમી અમિત ચૌહાણ ઘરે પરત ફર્યા હતા. ત્યારે અમિતભાઈ ચૌહાણનું હૃદય બેસી જતા કરૂણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here