રાજકોટ શહેર રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 15 જેટલા સભ્યોએ રાજીનામાં આપી દીધી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ રાજીનામાં પ્રદેશ પ્રમુખની સુચનાથી આપવામાં આવ્યા છે.

ટુંક સમયમાં જ નવી સમિતિ બનશે. શહેર પ્રમુખે આંતરિક વિવાદનો ઈનકાર કર્યો હતો. ગઈકાલે ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ચેરમેન, વાઈસ ચેરમેન સહિત 15 સભ્યોની એક બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ તમામના રાજીનામાં લેવામાં આવ્યા હતા.રાજકોટની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત, વાઇસ ચેરમેન સંગીતા બેન છાયા સહિત કિશોર પરમાર, વિજય ટોળીયા, રવિ ગોહેલ, કિરીટ ગોહેલ, તેજસ ત્રિવેદી, જે ડી ભાખડ, શરદ તલસાણીયા, અશ્વિન દુઘરેજીયા, ધૈર્ય પારેખ, ફારૂખ બાવાણી, પીનાબેન કોટક, જાગૃતિબેન ભાણવડિયા, મેઘાવી સિંધવ સભ્યોએ રાજીનામાં આપ્યા છે.

આ તમામ સભ્યોના રાજીનામા લઇ લેવાયા છે. જોકે આ સમગ્ર મામલે રાજકોટ પ્રદેશના કમલેશ મિરાણીએ જણાવ્યું કે, પાર્ટીએ સમજી વિચારીને નિર્ણય કર્યો છે. તેમજ પાર્ટીના આદેશ બાદ નવી કમિટિ બનાવવામાં આવશે. જેના માટે કોઈ પણ પ્રકારનો જૂથવાદ નથી. તેમજ તેમણે જણાવ્યું કે, અમારા માટે બધા જ કાર્યકર્તાઓ મહત્વના છે. અને તેના માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આંતરિક મતભેદ હોવાની પણ વાતો વહેતી થઈ છે. જેમાં શિક્ષણ સમિતિનો મામલો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પાસે પણ પહોંચ્યો હતો. જે પછી આખી શિક્ષણ સમિતિ શહેર ભાજપ પ્રમુખને કમલમનું તેડું આવ્યું હતુ. જેમાં શિક્ષણ સમિતિના તમામ સભ્યોને વન ટુ વન સાંભળવામાં આવ્યા હતા. જે પછી આજે તમામ સભ્યોએ રાજીનામા આપી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here