ગુજરાતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. કોઈને કોઈ કારણોસર લોકો જીવન ટુંકાવી દેતા હોવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. બીજી તરફ સિનિયર સિટીઝનો પણ ડિપ્રેશન કે બીજા કોઈ કારણે આપઘાત કરી લેતા હોવાના કિસ્સા પણ નોંધાતા હોય છે. ત્યારે અમદાવાદમાં એક વૃદ્ધ દંપત્તિએ હાથ અને ગળાના ભાગે છરીથી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં મહિલાનું મોત થયું છે અને 73 વર્ષના વૃદ્ધ વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. સરખેજ પોલીસે હાલ બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મકરબામાં કોર્પોરેટ રોડ નજીક આવેલ ઓર્ચિડ એક્ઝોટિકામાં આજે વહેલી સવારે એક સિનિયર સિટીઝન દંપતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પોલીસને જાણ થઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ એપાર્ટમેન્ટમાં સાતમા માળે રહેતા કિરણભાઈ અને તેમના પત્ની ઉષાબેન ઘરમાં લોહીલુહાણ હાલતમાં પડેલા પોલીસને જોવા મળ્યા હતાં. પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી. આ ઘટનામાં વૃદ્ધ મહિલા ઉષાબેનનું મોત નિપજ્યું હતું. તેમના પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી પોલીસે તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતાં. પોલીસે મીડિયાને જણાવ્યા પ્રમાણે આ દંપતીએ તેમના સંબંધીને એક મેસેજ કર્યો હતો. જેમાં તેઓ આપઘાત કરતા હોય તેવી જાણ કરી હતી. પોલીસને આ આપઘાત પાછળનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.  બીજી તરફ સુત્રો એવું પણ જણાવે છે કે, આ દંપતી પહેલા અમેરિકા રહેતા હતાં અને તાજેતરમાં જ તેઓ અમદાવાદમાં રહેવા માટે આવ્યા હતાં. છેલ્લા ચારેક મહિનાથી તેઓ આ એપાર્ટમેન્ટમાં રહેતા હતાં. બંનેના પરિવારમાં કોણ છે તેની પણ હાલ જાણકારી નથી મળી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here