રાજયમાં તાજેતરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે પણ શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જીતાલી ગામની શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઇ કરાવડાવવામાં આવતી હોવાની વિગતો સપાટી પર આવી છે.

શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ મોડા આવ્યાં હોવાથી શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે સફાઇ કરાવવામાં આવી છે જયારે વિદ્યાર્થીઓએ આચાર્યની પોલ ખોલતાં જણાવ્યું હતું કે, સફાઇ કામ માટે અમારા વારા બાંધવામાં આવ્યાં છે.પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવે છે પણ આજેય કેટલીય શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે ચાલતી હોવાની વાત પણ વાસ્તવિકતા છે. કેટલીય શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે બાળ મજુરની જેમ કામ લેવામાં આવતું હોવાના પણ કિસ્સા સામે આવી ચુકયાં છે.અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતાં છાત્રો પાસે સફાઇ કાર્ય કરાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.

500 વધુ બાળકો અભ્યાસ કરે છે તેવી જીતાલીની શાળામાં સફાઇ કામદાર હોવા છતાં બાળકો પાસે સફાઇ કરાવવામાં આવી રહી છે. હાલ તો આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.પોતાના સંતાનો શિક્ષણ મેળવી ઉચ્ચ કારર્કિદી બનાવી શકે તે માટે વાલીઓ તેમના સંતાનોને શાળામાં મોકલે છે. પણ અંકલેશ્વરના જીતાલી ગામની શાળામાં વિદ્યાર્થીઓ હાથમાં પેનના બદલે ઝાડુ પકડીને સફાઇ કરી રહયાં છે ત્યારે આ દ્રશ્યો જોઇ વાલીઓ પણ ચોંકી ઉઠયાં હશે. શાળામાં ભણતર માટે આવતાં વિદ્યાર્થીઓ પાસે કચરો સાફ કરાવવો, વરસાદી પાણીનો નિકાલ કરાવવો સહિતની કામગીરી કરાવવી એ શિક્ષકોને શોભા આપતું નથી. વિદ્યાર્થીઓ માન અને સન્માન સાથે શાળામાં શિક્ષણ મેળવી શકે તે જોવાની ફરજ આચાર્યની સાથે શિક્ષકોની પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here