દેહરાદૂન (Dehradun): પેપર લીકનો મુદ્દો વર્ષ 2021માં ખૂબ જ ગરમ રહ્યો હતો. હવે 2023માં વર્ષની શરૂઆતમાં જ ઉત્તરાખંડમાં ફરી એક વખત પેપર લીકનો મામલો સામે આવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, પેપર લીક કરનાર માસ્ટર માઈન્ડ પબ્લિક સર્વિસ કમિશનનો અધિકારી હોવાનું બહાર આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેણે તેના અન્ય 3 સાથીદારો સાથે મળીને તાજેતરમાં થયેલી પટવારી ભરતીનું પેપર લીક કર્યું હતું.

ઉત્તરાખંડમાં રવિવારે Public service Commission એ 563 પદોની ભરતી માટે પરીક્ષા લીધી હતી. આ ભરતી કેસમાં પેપર લીકનો માસ્ટરમાઇન્ડ ઉત્તરાખંડ પબ્લિક સર્વિસ કમિશનના ઉચ્ચ ગુપ્તતા વિભાગના અધિકારી સંજીવ ચતુર્વેદી હોવાનું બહાર આવ્યું છે. આરોપી સંજીવ ચતુર્વેદી તેની પત્ની સાથે તેના સાથીદારોને કાગળો મોકલતો હતો.

આ વાતનો ખુલાસો કરીને 4 આરોપીઓની ધરપકડ STFએ કરી છે. તેમના નામ સંજીવ, રામકુમાર, સંજીવ ચતુર્વેદી અને રાજપાલ છે. તમામ આરોપીઓ એક ટોળકી બનાવીને ઉમેદવારોને રૂરકીના માયા અરુણ રિસોર્ટમાં ભેગા કરતા હતા અને પેપર પહેલા રિસોર્ટમાં જ પેપર સોલ્વ કરાવતા હતા, જેના પર STFએ કાર્યવાહી કરી હતી.

બીજી બાજું, SSP STF આયુષ અગ્રવાલ પાસેથી મળેલી માહિતી અનુસાર, આયોગના સેક્શન ઓફિસર પેપર લીક થવાના થોડા દિવસો પહેલા તેના મિત્ર રાજપાલને પેપર મોકલતા હતા. જેમાં સંજીવ અને રામકુમાર ઉમેદવારોને ભેગા કરતા હતા અને દરેક ઉમેદવાર પાસેથી 8થી 10 લાખ રૂપિયા લેતા હતા.

આ ભરતીમાં રાજ્યના 1.25 લાખ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. જેમાંથી STF દ્વારા અત્યાર સુધીમાં 35 ઉમેદવારોની ઓળખ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ કેસમાં હજુ પણ ઘણા લોકોની ધરપકડ થઈ શકે છે. જણાવી દઈએ કે, વર્ષ 2021માં ભરતીના પેપર લીકનો મામલો સતત ગરમાતો રહ્યો હતો, પરંતુ વર્ષ 2023માં પહેલી ભરતીના પેપર લીકના મામલાએ ગરમાવો લાવી દીધો હતો. એસએસપી એસટીએફનું કહેવું છે કે, કમિશન દ્વારા કરવામાં આવેલી અન્ય ભરતીઓ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here