Akshay kadam, valsad: વલસાડના વાપીમાં રહેતા રાયચુરા દંપતીનો શ્વાનો પ્રત્યેનો પ્રેમ અદભુત છે. તેમની અનોખી સેવાએ જિલ્લાભરમાં મહેક પ્રસરાવી રહી છે. તેઓ છેલ્લા 20 વર્ષથી શ્વાનોની સેવા કરી રહ્યા છે. હાલ તેમણે હાઇવે પર ઉદવાડામાં ઘાયલ શ્વાનોનું એક આશ્રય સ્થાન બનાવ્યું છે. જ્યાં હાલ 173 ઘાયલ શ્વાનને આશ્રય મળ્યો છે. અહીં હાલ શ્વાન જ નહીં, પરંતુ કબુતર, પોપટ જેવા પક્ષીઓ મળી કુલ 195 જેટલા પક્ષીઓ પણ આશ્રય મેળવી રહ્યા છે.

પોતાનું સંતાન નહિ લાવી શ્વાનોને જ પોતાના સંતાન માન્યા

વાપીમાં રહેતા બિલ્ડર એવા નિલેશ રાયચુરા અને ફેશન- ઇન્ટિરિયર ડિઝાઇનર તેમના પત્ની શિતલ રાયચુરાનો પ્રાણી પ્રેમ અનોખો છે. તેમણે ગલીના રખડતા શ્વાનોને જ પોતાના સંતાનો માની લીધા છે. 2003 માં જયારે તેમની સગાઇ થઇ હતી ત્યારે જ તેમણે નક્કી કર્યું હતું કે,તેઓ તેમનું સંતાન નહિ લાવે અને ગલીના રખડતા શ્વાનોને જ તેમના સંતાન તરીકે રાખશે.આજે તેમના લગ્નને 19 વર્ષ થયા છે અને આજે પણ તેમના સંતાનો નથી.

શ્વાનના બચ્ચાની યાદમાં ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું

આ અંગે શીતલબેન રાયચુરાએ જણાવ્યું હતું કે, તેમને 2006માં સુરતમાં આવેલી પૂરમાંથી એક શ્વાનનું બચ્ચું મળી આવ્યું હતું ,જે મૂંગું અને બહેરું હતું.જેના પ્રત્યે શીતલબેનને ખુબ લગાવ થઇ ગયો હતો.તેની યાદમાં ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું છે, તેમણે ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ હેઠળ એક શેલ્ટર હાઉસ વલસાડના ખડકી ખાતે 20,000 સ્કેવરફિટ માં બનાવ્યું છે,જ્યાં એક ક્લિનિક,અને 36 જેટલા રૂમો બનાવવામાં આવ્યા છે અને એક્ષ રે, બ્લડ ટેસ્ટીંગ, ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓ રાખી છે અને હાલ તેઓ શ્વાન માટે હોસ્પિટલ પણ બનાવી રહ્યા છે.

હાલમાં આટલા પ્રાણીઓ છે

શ્વાન પ્રત્યેની સેવા સંદર્ભે બનવવામાં આવેલા ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ(ટીંકુ ડોગ હાઉસ) માં અત્યારે હાલ 173 શ્વાન,180 કબૂતર,3 બિલાડી,1 ચકલી, 6 પોપટ કુલ પક્ષી મળી કુલ 195 જેટલા પક્ષીઓ છે

ધરતી રત્ન એવોર્ડ આપવામાં આવ્યો

ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટના સંસ્થાપક શિતલબેન નિલેશભાઈ રાયચુરાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે “ધરતી રત્ન એવોર્ડ” હજારો પ્રાણીઓની નિઃસ્વાર્થ અને અવિરત સેવાઓ (જીવદયા) ના કાર્યો માટે ૩૦/૦૭/૨૦૨૨ શનિવારના રોજ અમદાવાદ ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો.

શ્વાનોની સેવા માટે એક એમ્બ્યુલન્સ રખાઈ

ઘાયલ શ્વાનોની સેવા માટે એક એમ્બ્યુલન્સ રખાઇ છે. રોજ બરોજ કોલ મળતાં ઘાયલ શ્વાનોને લઇ આવે છે. અહીં રોજ 15 થી 17 જેટલા કોલ આવે છે. પહેલાં તેઓ વાપીના કોલને પ્રાધાન્ય આપે છે. ત્યારબાદ તેઓ વાપીની આજુ બાજુના દમણ, સરીગામ સહિતના સ્થળોના કોલ એટેન્ડ કરે છે. તેઓ ઘાયલ શ્વાનને પહેલાં પોતાના આશ્રય સ્થાનમાં સારવાર આપે છે. અને વધુ જરૂર પડે તો વલસાડ, નવસારી તેમજ મુંબઇ સુધી પણ તેને લઇ જાય છે. પોતાના બનતા મહત્તમ પ્રયાસ તેઓ ઘાયલ પ્રાણીને બચાવવા માટે કરે છે. મુંગા પશુઓની સેવા માટે ગુજરાતભરમાં અનેક દવાખાના કે ટ્રસ્ટ ચાલતા હશે, પરંતુ ખાસ કરીને ગલીના ઘાયલ શ્વાનો માટેની નિલેશભાઇ અને શીતલબેન જેવી સેવા ભાગ્યે જ કશે જોવા મળે છે.

તમારા શહેરમાંથી (વલસાડ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Dog, Local 18, Stray Animal, Valsad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here