ભૌતિક સુવિધાઓની બદલે તેનો મહત્તમ સમય તેની પેઇન્ટિંગની કળા પાછળ ખર્ચે છે
સુરતના ઐતિહાસિક વિસ્તાર ગણાતા સલાબતપુરા વિસ્તારમાં રહેતા અમિત રાંદેરી અને અંકિતા રાંદેરીનો 14 વર્ષીય પુત્ર ભવ્ય રાંદેરી ધોરણ-8માં રાયન ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરે છે. ભવ્યના પિતા બિઝનેસમેન છે જ્યારે તેની માતા શિક્ષક છે. ધનાઢ્ય પરિવારથી હોવા છતાં ભવ્ય ભૌતિક સુવિધાઓની બદલે તેનો મહત્તમ સમય તેની પેઇન્ટિંગની કળા પાછળ ખર્ચ કરે છે.
એક વૃદ્ધ વ્યક્તિના મુખનો પેન્સિલ સ્કેચ લોકોમાં ચહીતો બન્યો છે
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા ટી એન ટીવી શાળાની રોટરી આર્ટ ગેલેરીમાં યોજાયેલા પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ભવ્ય એ પોતાના ચિત્રો મૂક્યા છે. પ્રદર્શનમાં મુકાયેલા 64 પેઇન્ટિંગ વચ્ચે ભવ્ય રાંદેરીએ એક જ વર્ષમાં બનાવેલા 8 પેઇન્ટિંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિના મુખનો પેન્સિલ સ્કેચ લોકોમાં ચહીતો બન્યો છે. તેમાં તેણે કરચલી થી લઈને વાળનું કરેલું ઝીણવટભર્યું કામ આશ્ચર્યમાં મૂકે તેવું છે.
નાનપણથી જ કલા અને સર્જનાત્મકતા સાથે સંકળાયેલો છે
ભવ્ય છેલ્લા 2 વર્ષથી ક્લાસીસમાં આ આર્ટ શીખી રહ્યો છે. આ તેનું ત્રીજું એકઝીબિશન છે. જેમાં તેણે ઓઈલ કેનવાસ અને પેન્સિલ સ્કેચના પેઇન્ટિંગ બનાવીને મુક્યા છે. નાનપણથી જ કલા અને સર્જનાત્મકતા સાથે સંકળાયેલો ભવ્ય કિડ્સ ગેમથી દૂર રહે છે. અને બારીકાઈથી પેઇન્ટિંગ કે સ્કેચ બનાવે છે. મોટી ઉંમરના પાવરધા પેઇન્ટર જેટલી સંખ્યામાં પેઇન્ટિંગ બનાવે છે એટલી જ પેઇન્ટિંગ તે પણ માત્ર 14 વર્ષની ઉંમરે બનાવી રહ્યો છે.
સ્કેચ તૈયાર કરવાના વિષયોની પસંદ પણ ઉમદા છે.
આ અંગે ભવ્યના શિક્ષક રિતેશ માવાપુરીવાલાએ જણાવ્યું હતું કે, ભવ્ય અમારે ત્યાંનો સૌથી નાનો આર્ટિસ્ટ છે. યુવા વર્ગ પેઇન્ટિંગની ટેકનીક જે રીતે શીખીને પેઇન્ટિંગ બનાવે છે તે જ રીતે તે પણ આટલી નાની ઉંમરે પણ ચોકસાઈ પૂર્વક પેઇન્ટિંગ બનાવી રહ્યો છે. જે અમારે માટે ગર્વની બાબત છે. તે ક્લાસ ભરવામાં પણ રેગ્યુલર વિદ્યાર્થી છે. આટલી નાની ઉંમરે પણ તેના સ્કેચ તૈયાર કરવાના વિષયોની પસંદ પણ ઉમદા છે. તેણે સ્ત્રેડલર પેન્સિલનો ઉપયોગ કરી બનાવેલા 4 પેન્સિલ સ્કેચ અને 5 ઓઇલ કેનવાસ પેઇન્ટિંગ મુક્યા છે.
અત્યાર સુધીમાં 25 જેટલા પેઇન્ટિંગ બનાવ્યા છે
આ અંગે ભવ્ય રાંદેરીએ જણાવ્યું હતું કે, નાનપણમાં હું ઘણીવાર કાગળ પર કંઇક ને કંઇક દોરતો રહેતો હતો. જેથી ટેકનીકલ નોલેજ મેળવવા માટે અમારા પિતરાઈ દીદીએ મારો કોન્ટેક રીતેશ સર અને સુદર્શન સર જોડે કરાવ્યો હતો. તેમની પાસે હું હાલ પેઇન્ટિંગ શીખી રહ્યો છું. અત્યાર સુધીમાં મેં 25 જેટલા પેઇન્ટિંગ બનાવ્યા છે. જેમાં મને પેન્સિલ સ્કેચ કરવા ખૂબ ગમે છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર