Nidhi Jani, Surat: તમે ક્યારેય વિચાર્યું છે કે કુદરતે આપણને આપેલા આ શરીરમાં ક્યારેક કોઈ ઉણપ આવી જાય તો આપણે આપણું જીવન કેવી રીતે વિતાવીશું. એ બધું છોડો ક્યારેક આપણને કેટલી આંગળીમાં પણ કંઈક વાગી ગયું હોય આખો દિવસ કે જ્યાં સુધી સારુ નહીં ત્યાં સુધી ધ્યાન સતત તેમાં જ રહેતું હોય છે. કોઈપણ કાર્ય કરવું કેટલું મુશ્કેલ બની જાય છે નહીં? ભલે ટચલી આંગળી આપણને એટલું બધું કામ નથી આવતી છતાં પણ મુશ્કેલી તો આવે જ છે ને? તો વિચાર કરો કે કોઈક વ્યક્તિને જ્યારે આખું અંગ કામ ન કરતું હોય તો તેમને કેટલી મુશ્કેલી પડતી હશે? વ્યક્તિ પોતાના રોજિંદા જીવનને કેવી-રીતે આયોજિત કરવું તેમાંજ વ્યસ્ત રહી જાય છે. ક્યારેક તો નાસીપાસ થઈને બીજા ઉપર નિર્ભર બની રહે છે અને આખુ જીવન તેવી રીતે જ ગાળે છે. ત્યારે આવું દિવ્યાંગ (Free mass marriage for Disabled people) શરીર લઈને કોઈ વ્યક્તિ જ્યારે બીજાની સેવા થાય તેવા કાર્ય કરતું હોય તો તેની પાસેથી કેટલી બધી પ્રેરણા લેવી બની રહે. આવું જ કંઈક વ્યક્તિત્વ ધરાવે છે સુરતના પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર કનુભાઈ ટેલર.
ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના (Disable Welfare Trust of India) પ્રમુખ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડો.કનુભાઈ ટેલર જેઓ પોતે દિવ્યાંગ હોવા છતાં દિવ્યાંગજનો માટે વિનામૂલ્યે શિક્ષણ, તાલીમ, આરોગ્યસેવા અને પુનઃસ્થાપનનું કાર્ય કરે છે. આમ દિવ્યાંગજનોના વિકાસ માટે તેઓ તેમની સંસ્થા સાથે હંમેશા અગ્રેસર રહે છે. આ ઉપરાંત તેમણે દિવ્યાંગ ન્યુઝ ચેનલ નામની ન્યુઝ ચેનલ પણ શરૂ કરી છે. તેમની સંસ્થામાં હાલમાં પણ 400 થી વધુ દિવ્યાંગ બાળકો લાભ લે છે. હવે સંસ્થા દ્વારા સમાજના દિવ્યાંગ યુવક-યુવતીઓ માટે ભવ્ય દિવ્યાંગ સમૂહલગ્ન સમારોહનું આયોજન કર્યું છે.
આ લગ્ન સમારોહમાં સંસ્થા દ્વારા લગ્નની તમામ વ્યવસ્થા કરવામાં આવશે, જે દર વર્ષે કરવામાં આવે છે. દીકરીઓને જરૂરી કરિયાવર પણ સંસ્થા તરફથી અર્પણ કરવામાં આવશે. આ સંસ્થાના માધ્યમથી યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં જોડાવા માંગતા યુવક-યુવતીઓના વાલીઓ જરૂરી આધાર પુરાવા સાથે રચના પહાડીવાલા (મો. 9687561904) તથા ગીતાબહેન જોષી (મો. 9427636688) ઉપર ડીસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત લગ્ન પરિચય કેન્દ્ર ઉપર આગામી તા.15/09/2022 પહેલાં સંપર્ક કરી નોધણી કરાવી કાર્યવાહી પૂર્ણ કરાવવી પડશે.
એડ્રેસ: ડિસેબલ યુથ એન્ડ વેલફેર ટ્રસ્ટ, પીપલોદ, સુરત.