Nidhi Jani, Surat: ચેમ્બર દ્વારા ‘હાઉ ટુ બી અનસ્ટોપેબલ ઇન યોર લાઈફ’વિષે યોજાયેલા ઇન્ટરેકટીવ સેશનમાં ઇન્સપીરેશનલ સ્પીકર એન્ડ ફીલાન્થ્રોપિસ્ટ તથા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સ્પર્શ શાહે મોટીવેશનલ સ્પીચ તથા લાઇવ પર્ફોમન્સથી સૌ કોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. 29ઓગષ્ટ, 2022ના રોજ સાંજે 6:00 કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં ‘હાઉ ટુ બી અનસ્ટોપેબલ ઇન યોર લાઈફ’વિષે ઈન્ટરેકટીવ સેશન યોજાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી રામકૃષ્ણ એકસપોર્ટ પ્રા. લી.ના ફાઉન્ડર અને ચેરમેન ગોવિંદભાઈ ધોળકીયા ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, 19 વર્ષીય સ્પર્શ શાહના હાડકા અત્યંત નાજુક છે. આથી તેમણે અત્યાર સુધી 140થી વધુ ફ્રેકચર થઇ ચૂકયા છે. હાલ તેમના શરીરમાં 8 સળીયા અને 22 જેટલા સ્ક્રુ છે તેમ છતાં જીવનના તમામ પડકારોને ઝીલીને તેઓ આગળ વધી રહયા છે. આથી સ્પર્શ પાસેથી બધાએ જ પ્રેરણા લેવી જોઇએ.

મુખ્ય અતિથિ ગોવિંદભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે, સ્પર્શ શાહને જોઇને એ વાત સાબિત થઇ જાય છે કે દુનિયામાં કશું જ અશકય નથી. સ્પર્શ શાહને સ્પર્શ કરવાથી જ આપણામાં ઉર્જા આવી જાય છે ત્યારે તેમણે સ્પર્શ તથા તેમના પરિવારજનોને વંદન કર્યા હતા. આ સેશનમાં સુરતના પદ્‌મશ્રી યઝદીભાઇ કરંજીયાનો સ્પર્શ શાહને આશિર્વાદ આપતો વિડિયો દર્શાવવામાં આવ્યો હતો.

સ્પર્શ શાહે મોટીવેશનલ સ્પીચમાં જણાવ્યું હતું કે, હંમેશા પોતાના પેશનને ઓળખીને તેને પૂર્ણ કરવાની દિશામાં મંડી પડવું જોઇએ. પેશન મુજબ કાર્ય કરશો તો ચોકકસપણે સફળતા મળશે. બધાના જ જીવનમાં સમસ્યા અને મુશ્કેલી આવતી હોય છે. આથી જે મુશ્કેલીનું નિરાકરણ પોતે લાવી શકાય છે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરવા જોઇએ અને જે મુશ્કેલીનું નિરાકરણ પોતાના હાથમાં નહીં હોય તેની ચિંતા કરવાનું છોડી દેવું જોઇએ.

વધુમાં તેમણે કહયું હતું કે, જીવનમાં સમસ્યાઓ આવવાની જ છે પણ તે સમયે પોતાની જાતને કયારેય રોકવી જોઇએ નહીં. જીવનમાં ગમે તે થાય પણ કોઇ દિવસ હાર માનવાની નહીં. વ્યકિતએ પરિવાર, ધંધા/રોજગાર, સમાજ તથા પોતાના માટે સમય કાઢી લાઇફને બેલેન્સ કરવી જોઇએ. સાથે જ સમાજને પરત આપવાની ભાવના રાખવી જોઇએ અને દરેકને મદદરૂપ થવું જોઇએ. જીવનમાં સતત શીખતા રહેવું જોઇએ અને સ્વપ્ન હંમેશા મોટા જ જોવા જોઇએ.

આ ઇન્ટરેકટીવ સેશનમાં શહેરની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ તથા તેના સંચાલકો, પ્રિન્સીપલ્સ અને શિક્ષકગણો હાજર રહયા હતા. જેમાં મુળ સુરતના તેમજ હાલ અમેરિકામાં રહેતા સિંગર, સોંગ રાઈટર, રેપર, ઇન્સપીરેશનલ સ્પીકર એન્ડ ફીલાન્થ્રોપિસ્ટ તથા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એવા સ્પર્શ શાહે પોતાની મોટીવેશનલ સ્પીચ તથા લાઇવ પર્ફોમન્સથી સૌ કોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પણ વાંચો:  Surat: આ સરકારી શાળા બાળકોને શીખવે છે ગાર્ડનિંગ

દેશના હર ઘર તિરંગા અભિયાનમાં ચેમ્બર ઓફ કોમર્સ પણ જોડાયું હતું અને 30 હજાર રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું હતું. આ રાષ્ટ્રધ્વજ રેસીડેન્સીયલ અને કોમર્શિયલ સોસાયટીઓ તથા ઔદ્યોગિક એકમો અને દુકાનો પર લાગ્યા હતા. ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે, જે સોસાયટીઓના દરેક ઘરો પર રાષ્ટ્રધ્વજ લાગ્યા હતા એવી ૧૬ સોસાયટીઓની જાહેરાત કરી હતી. આ સોસાયટીઓના હોદ્દેદારો તથા પ્રતિનિધિઓનું સ્પર્શ શાહ અને ગોવિંદભાઇ ધોળકિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

ચેમ્બરના ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસી અને દીપક કુમાર શેઠવાલાએ સેશનનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Gujarati news, Surat news, સુરત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here