મૂળ ભુસાવળ અને પાંડેસરાના દીન દયાળ નગરમાં રહેતા 24 વર્ષનો આકાશ અહીરે નાનો હતો અને નોકરીની શોધમાં માતા પિતા સુરત આવ્યા હતાં. ત્યારે ઘર ન હોવાને કારણે તેમણે દિલ્હી ગેટ નજીક બ્રિજ નીચે 15-20 દિવસ ગાળવા પડ્યા હતા. પાંડેસરામાં લાકડાના પાર્ટીશન વાળું એક ઘર ભાડે મળ્યું હતું. પિતા દારૂનો નશો કરતા હોવાથી બાળકના ભરણપોષણ માટે અને ભાડું ભરવા માટે તેની માતા પ્રતિ દિવસ રૂપિયા 30 થી રૂપિયા 40 ની આવક મેળવવા મજૂરી કરતા હતા. આ રીતે વર્ષો વીતતા ગયા અને વર્ષ 2006માં આવેલા ભયાનક પુરે તેમની પાસેથી ભાડાનું મકાન પણ છીનવી લીધું હતું. મકાન માલિકે તેમને દોઢ મહિનો આશરો આપ્યો હતો.
આકાશ સમયની સાથે વધુ મજબૂત થતો ગયો
પિતા દારૂનો નશો કરતા હોવાને કારણે જવાબદારી માતા ઉપર હોવાથી ધીરે ધીરે આકાશ સમયની સાથે વધુ મજબૂત થતો ગયો. માત્ર 12 વર્ષની ઉંમરે પરિસ્થિતિથી ભાંગી પડવાની જગ્યાએ આકાશનું ભણવાનું મનોબળ વધુ મજબૂત થઈ ગયું હતું અને તેણે એમ્બ્રોઇડરીની મીલમાં 12 કલાકની નોકરી સ્વિકારી લીધી હતી. તેની માતા તે સમયે કંપનીમાં રૂ.3000 આવક મેળવતા હતા. દસમા ધોરણમાં વગર ટ્યુશને 79 % મેળવ્યા બાદ પરિસ્થિતિને કારણે તેની માતાએ તેને ભણતર છોડવા કહ્યું હતું, પરંતુ તેણે વધુ મહેનત કરીને મેનેજ કરવા માતાને સમજાવી હતી.રાત્રે 9 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી નોકરી કરીને બાદમાં 12:30 વાગ્યા સુધી શાળાએ પણ જતો હતો.
ભણવાની સાથે રૂ.10,400 કમાણી કરીને ઘરના મોભી તરીકેની ફરજ પણ નાની ઉંમરે બજાવતો હતો. માત્ર 4-5 કલાકની જ ઊંઘ લેતા આકાશના અડગ મનને કારણે આજે તેણે M.Com પણ પાસ કરી દીધું છે. ટ્યુશન ક્લાસીસમાં બાળકોને ભણાવીને મકાનનું ભાડું પણ ભરે છે અને માતા-પિતા અને બહેનનું ભરણપોષણ પણ કરી રહ્યો છે.
શાળાના સંચાલકોએ પણ મારી પરિસ્થિતિને જોઈને મારી પ્રત્યે સમજ શક્તિ દર્શાવી હતી
આકાશે જણાવ્યું હતું કે, હું એમ્બ્રોઇડરીમાં નોકરી કરતો હતો, તે સમયે ત્યાંના સુપરવાઇઝર પણ સમજુ હતા. તેઓએ પ્રોડક્શનને લઈને ક્યારેય પણ મારી ઉપર બોજો નાંખ્યો ન હતો. આ સિવાય હું છત્રપતિ હાઈસ્કૂલમાં ભણતો હતો, ત્યાંના સંચાલકોએ પણ મારી પરિસ્થિતિને જોઈને મારી પ્રત્યે સમજ શક્તિ દર્શાવી હતી. જેથી હું ભણી પણ શક્યો અને નોકરી પણ કરી શક્યો.
ટ્યુશન ક્લાસિસના કોચ ભગવાન રૂપે આવ્યા
ધોરણ-12માં મેં ટ્યુશન ક્લાસીસ લીધું હતું અને ત્યાંના કોચ યોગેશભાઈ અને મુકેશભાઈ મારા જીવનકાળમાં ભગવાન રૂપે આવ્યા. તેમણે મારા માતાને સમજાવીને એક વર્ષ પૂરતી મારી નોકરી છોડાવડાવી હતી અને મેં મહેનત કરીને 12 કોમર્સમાં 87 ટકા મેળવ્યા હતા. ત્યારબાદ બંને સરે મને તે જ કોચિંગ ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓને ભણાવવા માટે કહ્યું અને તેને માટે મને સેલેરી પણ ચૂકવતા હતા. જેને લઈને હું મારું ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ કરી શક્યો છું. હું અલગ 3 કોચિંગ ક્લાસમાં જઈને વિદ્યાર્થીઓને ભણાવું છું. મારા જીવનના સંઘર્ષએ મને સહનશીલ તો બનાવ્યો છે, પરંતુ સાથે સાથે માનવીય અભિગમ દાખવતા પણ શીખવ્યો છે. હું મારા વિસ્તારમાં ગરીબ બાળકો માટે ચાલતા કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ભણાવવા પણ જાઉં છું .અત્યારે એક શાળામાં ઈન્ટરવ્યુ આપ્યું છે અને તેમના જવાબની રાહ જોઈ રહ્યો છું.
પોતાનું મકાન કરવા માટે માતા હજી કામ કરે છે
આકાશનો આધાર સ્તંભ તેની માતા છે. આકાશના જન્મના ત્રીજા દિવસે તેમણે નોકરી શરૂ કરી દીધી હતી આજે પણ તેઓ ભાડાના મકાનમાં રહેતા હોવાથી અન્ય લોકોના ઘરે જઈને ઘર કામ કરે છે. આકાશે ના પાડી હોવા છતાં માતા હજી પણ કામ કરે છે. કારણ કે તેમની ઈચ્છા છે કે, જ્યાં સુધી તેમનું પોતાનું મકાન ન થઈ જાય ત્યાં સુધી તેઓ કામ કરશે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Surat news