પાંડેસરાના સ્લમ વિસ્તારમાં આવેલ પતરાના શેડના બે રૂમમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ભણતર સાથે જોડવા માટે અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. અહીં વર્ષ 2009 થી 7 વ્યક્તિઓનું ગૃપ શ્રમિકોના બાળકોને ભણાવી છે. જેનું નામ તેમણે બુદ્ધ વિહાર આપ્યું છે. બાળકોને વ્યસનથી દૂર રાખવા માટે તેમજ ભણતર સાથે બાળકોનો નાતો જોડાય અને તેઓ અવળે રસ્તે ન જાય તે માટે યુવાઓના ગૃપ દ્વારા આ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર યુવાનો જ નહીં પરંતુ ધોરણ 10 અને 12 ભણનાર વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓને ભણાવવા માટે જોડાયા હતા.
દરરોજ બે કલાકનો સમય ફાળવે છે
આ યુવાઓના હાથે ભણનાર વિદ્યાર્થીઓ આજે ગ્રેજ્યુએશન સુધી પહોંચી ગયા છે. એટલું જ નહીં તેઓ સરકારી પરીક્ષાની તૈયારીઓ પણ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પોતે તો ભણી જ રહ્યાં છે, પરંતુ તેમના જેવા અન્ય સ્લમ વિસ્તારના બાળકોને ભણાવવા માટે દરરોજ બે કલાકનો સમય પણ ફાળવી રહ્યા છે. મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરતા પરિવારના બાળકોને ભણતર માટે પ્રોત્સાહન આપવાની માનવતા અને શિક્ષણની ચેઈન ભાગ્યે જ જોવા મળે છે.
17 જેટલા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા છે
નાગસેન નગરમાં 12 વર્ષ પહેલા સલ્મ વિસ્તારના ધોરણ 1 થી 9 નાના બાળકોને ભણાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશનની ફીનો ખર્ચ ગૃપ ઉપાડતા હતા. આજે તેમાંથી 17 જેટલા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા છે અને તેઓ પણ ઝૂંપડપટ્ટીના અન્ય બાળકોને ભણાવવા માટે પણ દરરોજ સાંજે 6 થી 8 વાગ્યાનો સમય ફાળવે છે. ભવિષ્યમાં તેમને જરૂરી કરનારા દરેક પ્રકારના ડોક્યુમેન્ટ તૈયાર પણ કરી આપવામાં આવે છે.
ગૃપ ડોનેશન લેતું નથી, પોતાની કમાણીમાંથી જ ખર્ચો કાઢે છે
શ્રમિક પરિવારના બાળકોને ભણાવવા માટે સમાધાનભાઈ, પારસભાઈ ,મહેન્દ્રભાઈ ,પ્રશાંતભાઈ, સુરેશભાઈ, હીરાલાલ ભાઈ અને દિનેશભાઈ કોઈપણ પ્રકારનું ડોનેશન લેતા નથી. પોતાની સેલરીમાંથી જ બાળકોને ભણાવવા માટેનો તમામ પ્રકારનો ખર્ચ કરે છે . નોટબુક, પુસ્તક, પેન,પેન્સિલ વગેરે આપવાનું કામ પણ ગૃપ જાતે જ કરે છે. આ બાળકો સારી રીતે વાંચન કરી શકે તે માટે એક ક્લાસ રૂમ પણ બનાવી રહ્યા છે.
સ્પોર્ટ્સ એક્ટિવિટી, ડાન્સ, NCC ટ્રેનિંગ પણ અપાઈ છે
અહીં તમામ વિષયો પર બાળકોને ભણાવવામાં આવે છે. સાથે જ પર્સનાલીટી ડેવલોપમેન્ટ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. દર રવિવારે બાળકોને સવારે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર લઈ જઈ અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવે છે. એનસીસી કેડર્સના ટીચર દ્વારા બાળકોને એનસીસી તાલીમ પૂરી પાડવામાં આવે છે. એટલું જ નહીં જેમને ડાન્સ રસ હોય તેવી વિદ્યાર્થીનીઓને ડાન્સ પણ શીખવાડવામાં આવે છે.
26 વર્ષીય કિરણ બૈસાણૈએ જણાવ્યું હતું કે, હું સમય કાઢીને પાંડેસરા નાગસેન નગર બુદ્ધવિહારમાં નિ:શુલ્ક ભણાવવા માટે આવું છું. કારણ કે જ્યારે હું ધોરણ 3 થી અહીં નિ:શુલ્ક ભણીને ગઈ છું અને હાલ મારું એમ.એ. શરૂ છે. હું જીપીએસસીની તૈયારી પણ કરી રહી છું.
23 વર્ષીય રાજ સોનવણે એ કહ્યું કે, હું ધોરણ 4 થી અહીં જ ભણ્યો છું અને હાલ મારું બીએ પૂર્ણ થયું છે. અમને ભણાવનાર ટ્યુટરોને જોઈને પ્રેરણા મળી છે , જેથી હું અહીં ભણાવવા માટે આવ છું.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Surat news