ગેલેલીનું ફ્રૂટ 25 દિવસ જ સ્વાદ માણવા માટે મળે છે
ધોમ ધખતા તાપમાં સ્વાદમાં મીઠી તાડફળી તરસ છીપાવે છે. તાડફળી કીડનીને સાફ રાખે છે અને ગરમીને બહાર કાઢે છે. કુદરતના અખૂટ ભંડાર એવા તાડના વૃક્ષનો ઉછેર ધીમો થાય છે. લગભગ 10 વર્ષ બાદ આ ઝાડમાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ તે ફળ આપે છે. આ ફ્રૂટ માત્ર એપ્રિલ-મે મહિનામાં જ અને 25 દિવસ જ સ્વાદ માણવા માટે મળે છે. ઉનાળામાં ઠંડક આપતું આ ફળ ગરીબ ખેડૂતો માટે આવકમાં અને સ્વાદના રસિયાઓ માટે અમૃત સમાન છે. જો કે તેને 70 થી 100 ફૂટ ઊંચા ઝાડ થી પાડવા માટે ભારે મહેનત કરવી પડે છે.
રોહિતભાઈ ચાર પેઢી થી આ કામ કરે છે
ભાઠા ગામમાં રહેતા 62 વર્ષના રોહિતભાઈ ભંડારી અને તેમના ત્રણ ભાઈઓનો પરિવાર વર્ષોથી આ કામ સાથે સંકળાયેલા છે. ઓટો ગેરેજનું કામ કર્યા બાદ તે બાકીના સમયમાં ખેતી કરે છે. તેમની પાસે તેમના બાપ-દાદાની 8 વીઘા જમીન છે. જેમાં તાડફળીના 40 વૃક્ષ છે. તેઓ વર્ષો થી ઝાડ પર ચઢીને ગલેલી પાડવાનું કામ કરી રહ્યા છે. જોકે હાલ ઉંમરવશ થઈને તેઓ પણ કારીગર પાસે ગલેલી પડાવી રહ્યા છે.
15-20 મિનિટમાં એક વૃક્ષ પર થી તાડફળીના ફ્રૂટ પાડવામાં આવે છે
રોહિતભાઈ નવસારી, ધરમપુર, વાયરા થી ખાસ કારીગરને બોલાવે છે અને આ કારીગર 70 થી 100 ફૂટ ઉંચા વૃક્ષ પર ચઢે છે અને માત્ર 15-20 મિનિટમાં એક તાડફળીના વૃક્ષ પર ચઢીને તાડફળીના ફ્રૂટને પાડે છે. જેના તેઓ રૂ.300 – રૂ.500 રૂપિયા લે છે. એક બાદ એક ઝાડ પર ચઢી એક દિવસમાં કારીગરને અંદાજે રૂ.7000-રૂ.10000 ની આવક થાય છે.
પ્રાચીનયુગમાં માનવ સમાજ માટે કલ્પવૃક્ષ ગણાતું હતું
પ્રાચીન કાળથી તાડફળી વૃક્ષ માનવ સમાજ માટે કલ્પવૃક્ષગણાતું હતું. પ્રાચીન કાળમાં ઘર બનાવવા માટે તાડના પાનનો (તરસાડ) છાવણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. તાડની પાંદડીનો ઉપયોગ (તાડપત્રી) ધાર્મિકલેખો માટે પણ કરવામાં આવતો હતો. જોકે હાલ ડોયલા કે તરસાડની કોઈ કિંમત રહી નથી તેથી તેમાંથી કોઈ આવક થતી નથી . માત્ર ને માત્ર ગલેલીની જ આવક થાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ અનેક રોગોમાં ગલેલી અક્સીર છે.
ગેલેલી પાડનાર કારીગર કમર પર આંકડો ડામર, દોરી સાથે રાખે છે
જમીન થી આટલી ફૂટ ઊંચાઈ પર ચઢવા માટે શારીરિક મજબૂતીની સાથે સાથે માનસિક મજબૂતીની પણ જરૂર પડે છે જેમાં ખાસ ટેકનીક થકી આ કારીગર ઝાડ પર ચડે છે.કમર પર આંકડો ડામર બાંધવામાં આવે છે. જ્યાં ફળ પાડવા માટેના દાતરડું-દોરી બાંધવામાં આવે છે. તેની સાથે તાડફળીના વૃક્ષ પર ચડતી વખતે સપોર્ટ માટે પગમાં દોરી પણ બાંધે છે . ટોચ સુધી પહોંચ્યા બાદ દોરીને મદદથી ઝુમખા નીચે ઉતારવામાં આવે છે. જેમાંથી ગલેલીનું ફળ નીકળે છે. સારો પાક લેવા માટે પહેલા તરસાદ કાપવી પડે છે અને 1 તાડ પર સમાન્ય રીતે 30-35 લુમ હોય છે. પરંતુ આ વર્ષે 25 જેટલી લુમ જોવા મળી રહી છે.
ગામની સીમમાં અંદાજે 7000 થી વધુ તાડફળીના વૃક્ષ છે
ભાઠા- ભાટપોર ગામની સીમમાં અંદાજે 7000 થી વધુની સંખ્યામાં તાડના ઝાડ છે અને તેના પર જ સૌનું જીવન નભે છે. ઘરનું વાર્ષિક કરીયાણું અને અન્ય આકસ્મિક ખર્ચો ગલેલીમાંથી નીકળતો હોય છે. ગલેલીના વાયદા આપી આર્થિક વ્યવહારો પણ થાય છે અને ગામના લોકોના મતે ગલેલી તેમનું હ્દય છે. અહીં થી ગલેલી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને મુંબઇ સુધી પહોંચે છે.
60 ફૂટ થી લઈને 100 ફૂટના તાડના વૃક્ષ જોવા મળે છે
આ અંગે રોહિતભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે, તાડ પર ચડવું અઘરું છે તેને માટે ટ્રેનિંગ કરવી જરૂરી છે. અહીંના કારીગર ગલેલી પાડતા ન હોવાને કારણે અમે માણસો બહાર થી બોલાવીએ છીએ. ધરમપુર, વાંસદા અને ચીખલી થી તેમને બોલાવીએ છીએ. નાના ઝાડ હોય તો 60-70 ફૂટ અને મોટા હોય તો 100 ફૂટની ઉપર તાડના વૃક્ષ થાય છે. ગલેલી ને ઉતારવા માટે આંકડો ડામર અને દાતરડું વપરાય છે. પહેલા અમે જાતે ચડતા હતા પરંતુ હવે ચડી શકતા નથી કારણ કે તેની ઉપર ચડવું ઘણું રિસ્કી છે. પડી જવાનો ભય રહે છે જેથી પરિવારના સભ્યો વૃક્ષ પર ચડવા દેતા નથી . ગેલેલીની વર્ષની 1.5 લાખની આવક છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર