Surat : જાહેર રસ્તાઓ પર અને ખાસ કરીને રેસ્ટોરન્ટ કે ધાર્મિક સ્થળોએ શારીરિક રીતે સક્ષમ વ્યક્તિઓ પણ ભીખ માંગતા નજરે પડે છે અને લાચારી વ્યક્ત કરે છે. ત્યારે અઠવાલાઈન્સ વિસ્તારની અઠવાઝોન બહાર બેસતા દિવ્યાંગ નાસિર પઠાણ બંને પગ ગુમાવી ચુક્યા હોવા છતાં ભીખ માંગવાની જગ્યાએ લોકોને સરકારી ફોર્મ માત્ર રૂ.10થી 20 માં ભરી આપી આવક મેળવે છે. પરિવારના 9 સભ્યોનું પાલનપોષણ કરે છે.

ડોક્ટરોએ એક સમયે કહી દીધું હતું કે તેમના બચવાની શક્યતા ઓછી છે

લિંબાયત વિસ્તારના કાંતિનગર સોસાયટીમાં રહેતા 37 વર્ષીય નાસિર પઠાણ મૂળ મહારાષ્ટ્રના છે. જ્યારે તેઓ 20 વર્ષના હતા, ત્યારે સુરતથી ભુસાવળ ટ્રેનમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ ટ્રેનમાંથી પડી ગયા હતા અને તેમના પગ ટ્રેનની નીચે કચડાઈ ગયા હતા. તે દરમિયાન તેમનો જીવ તો બચ્યો હતો. પરંતુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરિવારના સભ્યો ઉપર આભ તૂટી પડ્યું હતું, કારણ કે દોઢ મહિના સુધી તેમને સિવિલ હોસ્પિટલ રાખવામાં આવ્યા હતા અને ડોક્ટરોએ એક સમયે કહી દીધું હતું કે, તેમના બચવાની શક્યતા ઓછી છે. જો કે તેમની હાલતમાં સુધારો થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

હમદર્દી કે મદદની અપેક્ષા રાખ્યા વિના મહેનત કરે છે

તેઓ દિવ્યાંગ છે તેમ છતાં તેઓ લોકોની હમદર્દી કે મદદની અપેક્ષા રાખ્યા વિના દરેક ઋતુમાં મહેનત કરીને આવક મેળવી રહ્યા છે. હાલ તેમના પરીવારમાં તેઓ, માતા-પિતા, પત્નિ, 3 દિકરા, 2 દિકરી એમ 9 સભ્યો છે. જેનું ભરણપોષણ તેઓ ઝોન બહાર સરકારી ફોર્મ ભરીને થતી આવકમાંથી કરી રહ્યા છે.

વેફર, બિસ્કિટનું વેચાણ કરી થોડીઘણી આવક મેળવે છે

નાસિરભાઈ ધોરણ 12 ભણ્યા છે અને ટ્રેનવાળી ઘટના બની તે પહેલા કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢવાનું કામ કરતા હતા. ઘટનાને કારણે ઘણું બધું બદલાઈ ગયું હતું. તેમના પિતાની ઉંમર થઈ ગઈ છે. તેઓ અઠવાડિયામાં બે દિવસ બે કલાક સાઈકલ પર ફરી ડીટરર્જન્ટ વેચે છે, તેમને મદદ કરવા નાસિરભાઈ પહેલા લિંબાયત ઝોન પાસે બેસી ફોર્મ ભરતા હતા. બાદમાં 5 વર્ષ થી દરરોજ અહીં જ રીક્ષામાં આવીને કામ કરે છે. ઘરે પરત ગયા બાદ આરામ કરવાને બદલે એક કેબિનમાં બિસ્કિટ, વેફર વગેરેનું વેચાણ કરી પ્રતિદિવસ રૂ.150થી 200 જેટલી આવક બીજી મેળવે છે.

જેમની પરિસ્થિતિ ન હોય તેમની પાસે પૈસા લેતા નથી

નાસિર પથાણએ જણાવ્યું હતું કે, સવારે 10 વાગ્યા થી સાંજે 5:30 વાગ્યા સુધી બેસી આધારકાર્ડ, વેરાબીલ, જન્મ દાખલો, મરણ દાખલો, ગુમાસ્તક લાઇસન્સ, વોટર આઇડી, પાનકાર્ડના ફોર્મ ભરી આપું છું અને તેમની પાસે પર ફોર્મ માત્ર રૂ.10થી 20 આવક તરીકે મેળવું છું. જેમની પરિસ્થિતિ ન હોય તેમની પાસે પૈસા લેતો નથી. દિવસને અંતે રૂ.400 – 500ની આસપાસ કમાણી કરું છું.

તમારા શહેરમાંથી (સુરત)

First published:

Tags: Local 18, Surat news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here