Gujarat Assembly election 2022 :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગનો શંખનાદ કોઇ પણ ઘડીએ થઇ શકે છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા બેઠકો કબ્જે કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપે વન ટુ વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમની શરૂઆત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ BTP સાથે ગઠબંધન કરીને ચૂંટણી જીતવાની તૈયારી બતાવી છે.

એક એક બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના પક્ષો પરસેવો રેડી રહ્યા છે. ત્યારે અમે તમને ગુજરાત વિધાનસભાની દરેક બેઠકનું શરૂઆતથી અંત સુધીનું વિશ્લેષણ કરીને જણાવી રહ્યા છીએ. જેમાં આજે અમે તમને નવસારી વિધાનસભા બેઠક (Navsari assembly constituency) પર મતદારોનું પ્રભુત્વ અને 2012 તેમજ 2017ના પરિણામો અને ઉમેદવારોએ મેળવેલા મત વિશે જણાવી રહ્યા છીએ.

નવસારી વિધાનસભા બેઠક (Navsari assembly seat)

ગુજરાત વિધાનસભા બેઠકમાં 182 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકમાં નવસારી વિધાનસભા બેઠકનો 175મો ક્રમાંક છે. નવસારી વિધાનસભા બેઠક પર ભાજપ સતત 7 ટર્મથી એટલે કે, 35 વર્ષથી જીત મેળવી રહ્યું છે. ભાજપ નેતા મંગુભાઈ પટેલનું આ બેઠક પર સતત 5 ટર્મ સુધી એટલે કે, 25 વર્ષ સુધી પ્રભુત્વ રહ્યું છે.

વર્ષ 1990થી વર્ષ 2007 (1990- 1995- 1998- 2002- 2007) સુધી જીત મેળવીને મંગુભાઈ પટેલે આ બેઠક પોતાને નામ કરી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતા પિયુષભાઈ દેસાઈએ કોંગ્રેસ નેતા ભાવનાબેન પટેલને જંગી બહુમતીથી હરાવ્યા હતા. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ પિયુષભાઈ દેસાઈએ જીત મેળવી હતી અને કોંગ્રેસ નેતા અરવિંદભાઈ પટેલને હરાવ્યા હતા.

વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 પિયુષભાઈ દેસાઈ ભાજપ
2012 પિયુષભાઈ દેસાઈ ભાજપ
2007 મંગુભાઈ પટેલ ભાજપ
2002 મંગુભાઈ પટેલ ભાજપ
1998 મંગુભાઈ પટેલ ભાજપ
1995 મંગુભાઈ પટેલ ભાજપ
1990 મંગુભાઈ પટેલ ભાજપ
1985 મોહનભાઈ તળાવિયા કોંગ્રેસ
1980 મોહનભાઈ તળાવિયા કોંગ્રેસ
1975 વિઠ્ઠલભાઈ પટેલ NCO
1972 દિનકરભાઈ દેસાઈ કોંગ્રેસ
1967 S. Y. યૂનિયા કોંગ્રેસ
1962 સુલેમાન યુનિયા કોંગ્રેસ

નવસારી લોકસભા બેઠક

નવસારી લોકસભા બેઠક વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી હતી. આ પહેલા નવસારી જિલ્લો વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હતો. નવસારી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો લીંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી તેમજ નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો જલાલપોર, નવસારી અને ગણદેવી એમ કુલ સાત બેઠકોનો સમાવેશ છે.

આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર તરીકે હોવાથી નવસારી લોકસભા બેઠકને મીની ભારત પણ કહેવામાં આવે છે. નવસારી લોકસભા બેઠકમાં સુરતના 60 ટકા અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત તમામ 7 વિધાનસભાની બેઠકો પર ભાજપનાં ઉમેદવારો ચૂંટાયા હતા. ઉપરોક્ત સાતેય વિધાનસભા બેઠકો અંતર્ગત આવતી નગર પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગર પલિકામાં ભાજપનું શાસન ચાલે છે.

નવસારી સી. આર. પાટીલનો ગઢ

ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182માંથી માત્ર 99 બેઠક મળી હતી, ભાજપ ત્રણ આંકડા પર પણ પહોંચવામાં નિષ્ફળ રહી હતી. તાજેતરના ઇતિહાસનું આ તેનું સૌથી ખરાબ પ્રદર્શન હતું.

નવસારીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો ગઢ માનવામાં આવે છે. સી. આર. પાટીલ સતત વર્ષ 2009થી નવસારી લોકસભા બેઠક પરથી જીતતા આવ્યા છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સી. આર. પાટીલે નવસારી બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા.

તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ સી. આર. પાટીલે જીત મેળવીને ભાજપનો પરચમ લહેરાવ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં નવસારીની ત્રણ વિધાનસભાની બેઠક પર ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો હતો.

પિયુષ દેસાઈનો કાર્યકાળ

ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અનાવિલ સમાજ અને ઉજળિયાત જ્ઞાતિમાંથી આવે છે અને નવસારી વિધાનસભામાંથી આ તેમની બીજી ટર્મ છે. તેઓ ખાસ કોઈ પોલિટિકલ કનેક્શન ધરાવતા નથી. તેમના પિતા દિનકરભાઈ દેસાઈ આઝાદીના સાક્ષી હતા અને નરેન્દ્ર મોદીની નજીક હતા. આ કારણોસર તેમને નવસારી વિધાનસભા બેઠક પરથી ટીકીટ આપવામાં આવી હતી.

મંગુભાઈ પટેલ 5 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા

મંગુભાઈ પટેલ સતત 5 ટર્મ સુધી નવસારી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. તેમણે નવસારી નગરપાલિકાના સભ્યપદથી રાજકીય સફર શરૂ કરી હતી. વર્ષ 1990થી વર્ષ 2007 સુધી સતત 5 ટર્મ સુધી તેમણે વિધાનસભાની ચૂંટણી જીતી હતી અને ધારાસભ્ય રહ્યા હતા.

કેશુભાઈની સરકાર દરમિયાન મંગુભાઈ પટેલ વર્ષ 1998થી 2002 દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી બન્યા હતા. નરેન્દ્ર મોદી સરકારમાં 2002થી 2012 સુધી વન અને પર્યાવરણ મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. સતત 10 વર્ષ સુધી વન અને પર્યાવરણ મંત્રી પદે રહ્યા બાદ વર્ષ 2013માં તેમને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

આનંદીબહેન પટેલની સરકારમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2016માં વિજય રૂપાણી મુખ્યમંત્રી બનતા મંગુભાઈ પટેલને મંત્રી મંડળમાંથી પડતા મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ટીકીટ પણ આપવામાં આવી નહોતી.

કોંગ્રેસને ફરી બેઠી કરવા માટેની કવાયત

વર્ષોથી નવસારીમાં મંદ પડેલી કોંગ્રેસને એક્ટિવ કરવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે પ્રદેશમાંથી નેતાઓએ નવસારી જિલ્લાની મુલાકાત લેવાની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેની ઠુમ્મર નવસારીની મુલાકાતે આવ્યા હતા.

નવસારી વિધાનસભા બેઠક પર જીત મેળવવા માટે કાર્યકરો યોગ્ય કામગીરી કરે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. ગુજરાત મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેનીબેન ઠુમ્મરે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસની કારોબારી બેઠક કરી હતી. પત્રકાર પરિષદ કરીને જેનીબેને ભાજપના 27 વર્ષના શાસન સામે સવાલો ઊભા કર્યા હતા અને કોંગ્રેસની છાપ ઊભી કરવાની કોશિશ કરી હતી.

તેમણે મહિલાઓની સુરક્ષા, મોંઘવારી, પાણી સમસ્યા વગેરે મુદ્દાઓને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા. તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થાય એવા પ્રયાસો સાથે સંગઠનને મજબૂત કરવાની વાત કરી હતી.

નવસારી સીટ જીતવાનો કોંગ્રેસનો દાવો

ચૂંટણી પહેલા જ બધા જ પક્ષો પોત-પોતાની રીતે તૈયારી શરૂ  કરી દીધી છે. તેવામાં કોંગ્રેસ તરફથી પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેઓ ભાજપના અભેદ્ય કિલ્લા સમાન નવસારીની સીટને ભેદીને પોતાની સરકાર બનાવશે. જોકે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં  હોવાથી ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોને અથાગ મહેનત  કરવી પડશે તે સનાતન સત્ય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |

Published by:mujahid tunvar

First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Navsari News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here