બીજી તરફ સવર્ણ, ઓબીસી, એસટી અને લઘુમતી મત (Vote) મેળવવાની રણનીતિ ઘડાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat election)માં અમુક મહત્વની બેઠકો પર આદિજાતિ સમાજની પકડ ખૂબ મજબૂત છે, આવી જ એક બેઠક ગણદેવી વિધાનસભા બેઠક (Gandevi Assembly Seat) છે. આ બેઠક અત્યારે ભાજપ પાસે છે.
ગણદેવી વિધાનસભા બેઠક હેઠળનો વિસ્તાર
આ વિધાનસભા બેઠક હેઠળ ગણદેવી તાલુકાના દુવાડા, વડસાંગલ, રહેજ, સરીખુર્દ, સરીબુજરંગ, તોરણગામ, ખેરગામ, દેશાડ, કલવાચ, અંભેટા, પાટી, વલોટી, દેવધા, છાપર, મેંધર, મોરલી, કલમથા, ભાથા, ધકવાડા, નાંદરે, કેશવાડા, બિગરી, ગોવંડી ભાથળા, વણગામ, ખાપરવાડા, અંડચ લુહાર ફળિયા, અંડચ વાણીયા ફળિયા, ગણદેવી (સીટી), સહિતના ગામ સામેલ છે. આ ઉપરાંત ચીખલી તાલુકાના નોગામા, સરૈયા, ચિતાલી, બોડવાંક, ટાંકલ, મીંકાછ, બારોલીયા, સુંથવાડ, દેગામ, ચાસા, વાંઝણા, ઉંધવાલ, રેઠવાણિયા, આલીપોર, ખુંધ, થાલા, સમરોલી, મજીગામ, ઘેટી, માળવા, સાદકપોર, પીપલગભાણ, તલાવચોરા, બલવાડા, તેજલાવ, મલિયાધરા, સોલધરા વગેરે ગામોનો સમાવેશ પણ થાય છે.
મતદારોની સંખ્યા અને વર્તમાન સ્થિતિ
ગુજરાત વિધાનસભાની બેઠકોમાં ગણદેવી બેઠકનો ક્રમ 176મો છે. આ બેઠક નવસારી જિલ્લામાં આવેલી છે અને નવસારી લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ અહીંની કુલ 353673 વસ્તીમાંથી 71.29 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે જ્યારે અને 28.71 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે.
આ વિસ્તારમાં અનુસૂચિત જનજાતિ વર્ગનું પ્રભુત્વ છે. આંકડા મુજબ કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નો ગુણોત્તર અનુક્રમે 2.42 અને 41.79 છે. 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 277667 મતદારો છે અને 320 મતદાન મથકો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં 75.3 ટકા મતદાન થયું હતું, જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 74.09 ટકા મતદાન થયું હતું. 2017માં વિધાનસભા ચૂંટણીના આંકડા જોતા ફલિત થાય છે કે, આ બેઠક પર ભાજપને 61.88 ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 33.31 ટકા વોટ મળ્યા હતા. આવી જ રીતે 2019માં અનુક્રમે 69.91 ટકા અને 25.01 ટકા વોટ મળ્યા હતા. નવસારીના વર્તમાન લોકસભા સાંસદ તરીકે ભાજપના સી આર પાટીલ જવાબદારી સંભાળી રહ્યા છે અને ગણદેવી વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય તરીકે ભાજપના પટેલ નરેશભાઈ મગનભાઈ છે.
ગણદેવી બેઠક પર યોજાયેલી ભૂતકાળની ચૂંટણીઓ (Past elections held on Ganadevi seat)
ગણદેવી વિધાનસભા બેઠક એસટી માટે અનામત બેઠક છે. આ બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં 13 વખત ચૂંટણીઓ થઈ ચૂકી છે. વર્ષ 1995થી અહીં ભાજપનું શાસન છે. તે પહેલા કોંગ્રેસ કેટલીક વખત આ બેઠક જીતી ચૂકી હતી.
વર્ષ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
2017 | નરેશ પટેલ | ભાજપ |
2012 | મંગુભાઈ પટેલ | ભાજપ |
2007 | લક્ષ્મણભાઈ પટેલ | ભાજપ |
2002 | કરસનભાઈ પટેલ | ભાજપ |
1998 | કરસનભાઈ પટેલ | ભાજપ |
1995 | કરસનભાઈ પટેલ | ભાજપ |
1990 | ઠાકોરભાઈ નાયક | JD |
1985 | દિનકરભાઈ દેસાઇ | કોંગ્રેસ |
1980 | દિનકરભાઈ દેસાઇ | કોંગ્રેસ (આઈ) |
1975 | પરાગજી નાયક | NCO |
1972 | અમૂલ દેસાઇ | કોંગ્રેસ |
1967 | ટી એમ દેસાઇ | કોંગ્રેસ |
1962 | ઈશ્વરભાઈ દેસાઇ | PSP |
ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપ તરફથી નરેશભાઈ પટેલને ટીકીટ આપવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ દ્વારા સુરેશભાઈ હળપતિને ઉભા રાખવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં નરેશભાઈને 1.24 લાખ કરતાં વધુ મળ્યા હતા. જ્યારે સુરેશભાઈને 66,749 મત મળ્યા હતા.
આવી જ રીતે વર્ષ 2012માં ભાજપે મંગુભાઈ પટેલને ટિકિટ આપી હતી. તે સમયે પણ ભાજપને 1 લાખ કરતા વધુ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભારતીબેન પટેલને 78,240 મત મળ્યા હતા. આ બેઠક ભાજપ મોટાભાગે બહોળા માર્જિનથી જીતતો આવ્યો છે.
ગણદેવી બેઠકના જ્ઞાતિ-જાતિના સમીકરણો
ગુજરાતમાં એસટી વર્ગની વસ્તી 15 ટકાની જેટલી છે. ગુજરાત વિધાનસભામાં એસટી વર્ગ માટે કુલ 24 બેઠકોને અનામત રાખવામાં આવી છે. જેમાં ગણદેવી બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર આદિવાસી સમાજને પકડ હોવાના કારણે ભાજપ – કોંગ્રેસ સહિતના પક્ષો તેમને રીઝવવા પ્રયાસ કરતા જોવા મળે છે. જેના કારણે જ ટોચના નેતાઓ આ પંથકની અવારનવાર મુલાકાત લેતા હોય છે. આ જ કારણે PM મોદી અને રાહુલ ગાંધીના કાર્યક્રમો આદિજાતિ ક્ષેત્રમાં યોજાયા હતા.
ભાજપ સામેના પડકાર
આમ તો આદિજાતિ વર્ગ કોંગ્રેસની વોટબેંક માનવામાં આવે છે. બીજી તરફ ભાજપને સવર્ણોની પાર્ટી કહેવાય છે. ભાજપ આદિજાતિ મત પણ ઈચ્છે છે. આદિજાતિના વોટ અંકે કરવા તેમના વિરોધના પગલે ભાજપે નર્મદા-તાપી-પાર લિંક યોજનાને રદ કરી હતી. ભાજપને આ વિસ્તારમાં કોંગ્રેસ સાથે બીટીપી અને આપ સામે પણ લડવાનું છે. ભાજપ સરકાર સામે વિરોધ પક્ષ બેરોજગારી, મોંઘવારી, નબળું શિક્ષણ સ્તર, નબળી કાનૂન વ્યવસ્થા જેવા મુદ્દાઓ છે.
કોંગ્રેસ સામેના પડકાર
એક તરફ આદિજાતિ બેઠક પર કોંગ્રેસની પકડ મજબૂત હોવાનું માનવામાં આવે છે, પરંતુ ગણદેવી બેઠક જીતવા માટે કોંગ્રેસ સામે લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ છે. કોંગ્રેસ પાસે મુદ્દા તો ઘણા છે, પરંતુ આંતરિક કલહ અને રણનીતિ મજબૂત ન હોવાના કારણે કોંગ્રેસ આ બેઠકને 1995થી જીતી શકી નથી.
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલનો પરિચય
ભાજપ સરકારે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને કેબિનેટ પ્રધાન બનાવ્યા છે. જેના કારણે આસપાસના ક્ષેત્રમાં ઉત્સાહ જોવા મળ્યો છે. તેઓના ઉછેરમાં તેમની માતાની ભૂમિકા મુખ્ય રહી છે. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેમને માતાએ ઉછેર્યા હતા. આ દરમિયાન ખેતીકામ કરતા કરતા તેઓ રાજકારણમાં જોડાયા હતા અને 20 વર્ષ અગાઉ ચીખલીના પીઢ ભાજપી કાનજી પટેલની સાથે કામ કર્યુ હતુ.
આ દરમિયાન વર્ષ 2007માં પ્રથમવાર ચીખલી વિધાનસભા પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. નરેશ પટેલનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા પૂર્વે વિધાનસભાના સીમાંકન બદલાતા નવસારી જિલ્લાની 5 વિધાનસભામાંથી ચીખલી વિધાનસભા નીકળી ગઈ હતી. જેને કારણે ચીખલી તાલુકાના અડધા ગામોને વાંસદા અને અડધા ગામોને ગણદેવી વિધાનસભામાં ભેળવી દેવામાં આવ્યા હતા. જેથી નરેશભાઈએ વર્ષ 2012માં વાંસદા વિધાનસભા પરથી કોંગ્રેસના અનંત પટેલ સામે દાવેદારી નોંધાવી હતી, પરંતુ કોંગ્રેસના ગઢ ગણાતા વાંસદામાં નરેશભાઈએ હારનો સામનો કરવો પડ્યો હતો.
તે પછી વર્ષ 2017માં ગણદેવી વિધાનસભા પર પૂર્વ કેબીનેટ પ્રધાન મંગુભાઇ પટેલને ઉંમરના કારણે ટિકિટ મળી નહોતી. જેનો લાભ નરેશ પટેલને મળ્યો હતો. તેઓ ગણદેવી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક
| મહેમદાબાદ | વિસનગર | મહેસાણા | વડગામ | અંજાર | વાવ | દાહોદ | દ્વારકા | વિજાપુર | વલસાડ | સિધ્ધપુર | ઘાટલોડિયા | કડી | બાપુનગર | અમરેલી | સુરત પશ્વિમ | જસદણ | રાજકોટ દક્ષિણ | નડિયાદ | | સોજિત્રા | ખંભાત | ગઢડા | બોરસદ | આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ | મહુધા | કપડવંજ | ઠાસરા | કોડીનાર | લાઠી | સાવરકુંડલા | ગારિયાધાર | મહુવા | પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી| વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી | દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા | નિઝર |
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly elections 2022, Gandevi, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, નવસારી