DAMAN: બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડવા કોઈ મદદ કરવા ની ઓફર કરે તો સાવધાન થઈ જજો. કારણકે મદદના બહાને જોજો ક્યાંક કોઈ ગઠીયા આપના બેન્ક એકાઉન્ટ નું તળિયું સાફ ન કરી દે.આવો જ એક ચોંકાવનારો કિસ્સો દમણમાં  બન્યો હતો. જેમાં દમણના એક વ્યક્તિને એટીએમ મશીનમાં મદદના બહાને બે ગઠિયાઓએ  ફ્રોડ કરી તેમના એટીએમ કાર્ડ બદલી બેન્ક એકાઉન્ટ માંથી  રૂપિયા  ઉપાડી  લીધા હતા. એટલું જ નહીં તેમણે આ રૂપિયા પોતાની મોજમસ્તી માં ઉડાવી દીધા હતા.

જોકે  આ બંને ભેજાબાજ  અંતે  દમણ પોલીસના હાથે લાગતા ભેજાબાજ ઠગો એ આચરેલ ગુનાઓના એક પછી એક ભેદ ઉકેલાઇ રહ્યા છે.

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ  એક વ્યક્તિ  ATM મશીનમાં જઈ અને  પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા ગયા હતા. એ જ સમયે બે વ્યક્તિઓ એટીએમ માં પ્રવેશી ફરિયાદીને  એટીએમ મશીનમાંથી પૈસા કાઢવા માં મદદ કરવાની ઓફર કરી હતી. ત્યાર બાદ  મદદ કરવાના બહાને આ  ફરિયાદીનું  એટીએમ કાર્ડ  ચતુરાઈથી બદલી  લીધું હતુ.

ભેજાબાજોએ યુક્તિપૂર્વક ફરિયાદીના  કાર્ડનો પિન પણ જાણી લીધો હતો.  ત્યારબાદ બીજા દિવસે ફરિયાદીના ખાતામાંથી મોટી રકમ ઉપાડી અને વાપીની દુકાનમાંથી સામાન પણ ખરીદી લીધો હતો. આમ દમણ ના ફરિયાદીને ભેજાબાજોની જાળ માં ફસાવાનું ભારે  પડ્યું હતું. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં જ ફરિયાદીએ દમણ પોલીસ સ્ટેશનમાં  આ બાબતે ફરિયાદ કરતા  દમણ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

ફરિયાદ દાખલ થતા દમણ પોલીસે આ ભેજાબાજ ગઠિયાઓને  ઝડપવા દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લાના એટીએમ મશીનો પર બાજ નજર રાખવાનું શરૂ કર્યું હતું. ગઠિયાઓ મોટેભાગે જે એટીએમ મશીન પર ગાર્ડની વ્યવસ્થા ન હોય તેવા મશીનો પરજ અડ્ડો જમાવી અને શિકારની શોધમાં રહેતા હતા.

આ કેસના આરોપીઓએ એટીએમ કાર્ડ બદલ્યા બાદ વાપીના એક શોરૂમમાંથી લક્ઝુરીયસ સામાનની ખરીદી પણ કરી લીધી હતી. આથી દમણ  પોલીસ તપાસ કરતી શોરૂમ સુધી પહોંચી હતી . જ્યાં આ બંને ભેજાબાજ  ગઠિયાઓ ખરીદી કરી અને કાઉન્ટર પર ઠગાઈ કરી મેળવેલા એટીએમ કાર્ડ થી પેમેન્ટ કરતા હોવાનું સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. ત્યારબાદ આ સીસીટી ફૂટેજ ના આધારે પોલીસની ટીમો વોચમાં હતી એ દરમિયાન જ ફરી એક વખત દમણના કચિગામ વિસ્તારમાં આવેલા ગાર્ડ વિનાના એક એટીએમમાં આ બંને ભેજાબાજ  દેખાતા પોલીસે બંનેને  દબોચી લીધા હતા. ત્યારબાદ આગવી ઢબે પૂછપરછ માં બંને આરોપીઓએ પોપટની જેમ પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો.

આરોપીઓની ઓળખ કરીએ તો અયોધ્યા નારાયણ સિંગ અને ચંદન કુમાર. બંને આરોપીઓ મિત્રો છે અને મૂળ બિહારના છે વાપીના એક વિસ્તારમાં તેઓ રહી અને વાપી વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દમણ અને દાદરા નગરી હવેલીના  ATM  મશીનો પર શિકારની શોધમાં રહેતા હતા અને મોકો જોઈ ATM મશીન માંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને યુક્તિપૂર્વક લોકોના ATM કાર્ડ બદલી અને તેના પીન નંબર પણ જાણી લેતા હતા અને ત્યારબાદ અને મોજ શોખમાં જ રૂપિયા ઉડાવી દેતા હતા. પોલીસે અત્યારે આરોપીઓ પાસેથી 106 થી વધુ એટીએમ કાર્ડ અને ત્રણ મોબાઈલ સહીત નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને સળિયા પાછળ ધકેલી દીધા છે.

આ અગાઉ પણ દમણ દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લામાં એટીએમ ફ્રોડની અનેક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં ચોપડે નોંધાઈ ચૂકી નોંધાઈ ચૂકી છે. આથી મોટાભાગના કિસ્સાઓમાં ગઠિયાઓ સિક્યુરિટી ગાર્ડ વિનાના ATM મશીન પર અડ્ડો જમાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોવાના ખુલાસા થઈ રહ્યા છે. જોકે હજુ આ  ગેંગનો માસ્ટર માઈન્ડ પોલીસ પકડથી દૂર છે .આથી પોલીસે માસ્ટર માઈન્ડ ને વોન્ટેડ જાહેર કર્યો છે. આથી આપ પણ જો એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા જાઓ અને કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે મદદની માંગ કરો અથવા કોઈ અજાણ્ય વ્યક્તિ પૈસા ઉપાડવામાં મદદ કરવાની ઓફર કરે તો સાવધાન થઈ જજો .ક્યાંક અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ મૂકવો આપને મોંઘો સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: સુરતના યુવકે કોલગર્લ સાથે મજા કરવા માટે આપ્યા લાખો રૂપિયા, OYO રૂમ બોલાવીને ધુતારા છેતરી ગયા

જોકે અત્યારે તો દમણ પોલીસના હાથે ઝડપાયેલા આ બંને ગઠીયાઓ પાસેથી 106 થી વધુ એટીએમ કાર્ડ મળી આવ્યા છે. આથી દમણ પોલીસે હવે આ ગાંઠિયાઓ એ અગાઉ કેટલા લોકો સાથે આવી છેતરપિંડી કરી છે? તે જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટર: ભરતસિંહ વાઢેર)

Published by:Mayur Solanki

First published:

Tags: ATM FRAUD, Daman, Vapi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here