આ વાત છે વલસાડના ઉમરગામ તાલુકાના મરોલી ગામનો બારીયા પરિવારની. આ પરિવારના તમામ સભ્યો છેલ્લા કેટલાક સમયથી અસહ્ય પીડામાંથી પસાર થઈ રહ્યા છે. પરિવારની દીકરીને પરણાવવાનો સમય થઈ ગયો છે. પરંતુ માતા-પિતાને ચિંતા છે કે, જે દુઃખ તેઓ છેલ્લા 20 વર્ષથી સહન કરી રહ્યા છે. તે હવે તેમની દીકરીઓને પણ સહન કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉમરગામના દરિયાકિનારે આવેલા ગામોમાં મોટા પ્રમાણમાં બારીયા સમાજ વસવાટ કરે છે. છેલ્લા બે દશકથી આ પરિવારને સમાજના કેટલાક ઠેકેદારોએ નાત-બહાર મૂક્યાં છે. પરિવારનો આક્ષેપ છે કે, ગામની દીકરી રેખાબેન બારીયાએ મહારાષ્ટ્રના યુવક રવિન્દ્ર બારીયા સાથે લગ્ન કર્યા છે. આ રવિન્દ્ર બારીયા સમાજમાંથી નથી આવતો હોવાનું કારણ આગળ મૂકી બારીયા સમાજના કેટલાક ઠેકેદારોએ આ પરિવાર પર અનેક પ્રકારના બંધનો મૂક્યા છે.