Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે જ હાલોલ વિધાનસભા બેઠકનાં કોંગ્રેસ ઉમેદવાર બદલાયા છે. પંચમહાલના હાલોલ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ રાત્રે મેન્ડેટ બદલાયું હતું. કોંગ્રેસ દ્વારા ગઈકાલે ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી, અંતિમ યાદીમાં ગોધરાના માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. રાજેન્દ્ર પટેલે ગોધરાથી ચૂંટણી લડવા પક્ષ સમક્ષ ઈચ્છા દર્શાવી હતી, જે પાર્ટીએ અવગણતાં રાજેન્દ્ર પટેલે હાલોલ થી ચૂંટણી લડવા ઈન્કાર કર્યો હતો. રાજેન્દ્ર પટેલે હાલોલથી ચૂંટણી લડવા ઇનકાર કરતા નવા ઉમેદવાર અનિશ બારીયાને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ અપાયું છે.

સુરત બાદ AAP ને અહીં લાગ્યો મોટો ફટકો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે ત્ચારે સુરત બાદ હવે મહિસાગરમાં આમ આદમી પાર્ટીને ફટકો લાગ્યો છે. સંતરામપુર વિધાનસભાના સંગઠન મંત્રી બાબુભાઈ ડામોરે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ આજે અપક્ષ ઉમેદવારી નોંધાવશે. બાબુભાઈ ડામોરે આમ આદમી પાર્ટીમાંથી ટિકિટની માંગ કરી હતી. સંતરામપુર વિધાનસભા બેઠક ઉપર તેમને ટિકિટ ન મળતા આજે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે, તેઓ છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ હતા. Whatsapp દ્વારા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખને રાજીનામુ મોકલ્યું હતું. સંતરામપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી દ્વારા પર્વતભાઈ વાગડીયા ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપે કુબેરભાઈ ડીંડોર અને કોંગ્રેસ ગેંડાલભાઈ મોતીભાઈ ડામોરને ટિકિટ આપી છે.

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે તેના ઉમેદવાર તરીકે નોમિનેટ કરી છે. ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડી રહેલા જાડેજાના પત્ની રીવાબાને જામનગર ઉત્તર વિધાનસભામાંથી ટિકિટ મળી છે. આ સંબંધમાં રીવાબાએ 14 નવેમ્બરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, જે દરમિયાન તેણે એફિડેવિટ પણ ફાઈલ કરી હતી. એફિડેવિટમાં રીવાબા જાડેજાએ પોતાની મિલકતોની માહિતી આપી હતી.

Reels

દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ રીવાબા જાડેજા અઢળક સંપત્તિના માલિક છે. જાડેજા દંપતી પાસે 97 કરોડની સંપત્તિ છે, જેમાં કરોડો રૂપિયાની જમીન સાથેનું આલિશાન ઘર પણ સામેલ છે. રીવાબાએ જણાવ્યું કે તેની અને તેના પતિ પાસે એક કરોડ રૂપિયાના દાગીના છે. રવીન્દ્ર જાડેજા ભારતના એક મોટા ક્રિકેટર છે, ક્રિકેટ સિવાય તે ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે જેમાંથી તે કમાણી કરે છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2021-22માં 18.56 કરોડ રૂપિયાની કમાણી દર્શાવી હતી.

એફિડેવિટમાં રીવાબાએ જણાવ્યું છે કે તેમની અને તેમના પતિ રવિન્દ્ર જાડેજાની કુલ 97 કરોડની સંપત્તિ છે. રિવાબા પાસે 62.35 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 37.43 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ સિવાય જો તેમની ફેમિલી મૂવેબલ પ્રોપર્ટીની વાત કરીએ તો તે 26.25 કરોડ રૂપિયા છે. રવિન્દ્ર જાડેજા પાસે 33 કરોડ 5 લાખ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ છે. જેમાં ખેતીની જમીન, કોમર્શિયલ પ્લોટ, રહેણાંક પ્લોટ અને તેમના આલીશાન મકાનનો સમાવેશ થાય છે.  

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પાસે પણ સોના, ચાંદી અને હીરાનો ખજાનો છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે રીવાબા પાસે 34.80 લાખ રૂપિયાના સોનાના ઘરેણા, 14.80 લાખ રૂપિયાના હીરા અને 8 લાખ રૂપિયાના ચાંદીના ઘરેણા છે. જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 23.43 લાખની કિંમતના સોનાના દાગીના છે. આ સિવાય તેમની પાસે દોઢ કરોડ રૂપિયાની કિંમતના મોંઘા વાહનો છે. તમને જણાવી દઈએ કે 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here