ઓસ્કર માટે આ વર્ષની સત્તાવાર એન્ટ્રી બનેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ફિલ્મના છ બાળકો પૈકીના એક એવા 15 વર્ષીય રાહુલ કોળીનું લ્યુકેમિયા (બ્લડ કેન્સર)ને કારણે 2 ઓક્ટોબરના રોજ અવસાન થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે રાહુલનો ઇલાજ ચાલતો હતો. તેનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કરવાનું હતું. 

 

મૂળ હાપામાં રહેતા રાહુલને થોડા મહિના પહેલાં તાવ આવવો શરૂ થયો. દવાઓ કરાવ્યા પછી પણ વારંવાર તાવ આવવાને કારણે વધુ તપાસ કરાવતાં લ્યુકેમિયાનું નિદાન થયું હતું. ત્યારબાદ તેને ઇલાજ માટે જામનગર અને ત્યારપછી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો.

 

રાહુલના પિતા રામુ કોળી હાપામાં રિક્ષા ચલાવે છે. રાહુલના ઇલાજ માટે તેમણે પોતાની રિક્ષા પણ ગિરવે મૂકી દીધી હતી. પરંતુ ‘છેલ્લો શૉ’ ફિલ્મની યુનિટે પોતાના તરફથી કોન્ટ્રિબ્યુટ કરીને તેમની રિક્ષા છોડાવી. એટલું જ નહીં, રાહુલના ઇલાજ માટે પણ મદદ કરી.

 

 14 ઓક્ટોબરે પોતાની પહેલી ફિલ્મની રિલીઝ પહેલાં જ રાહુલ માટે તે ‘છેલ્લો શૉ’ બની ગઈ.એક અંગ્રેજી અખબારને રાહુલના પિતાએ કહ્યું, “રવિવારે 2 ઓક્ટોબરે તેણે નાસ્તો કર્યો હતો, ત્યારબાદ તેને વારંવાર તાવ આવી રહ્યો હતો. ત્યારબાદ તેને ત્રણ વખત લોહીની ઉલટી થઈ હતી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. અમારો પરિવાર ભાંગી પડ્યો છે. પરંતુ આપણે તેની ફિલ્મ 'છેલ્લો શો' રિલીઝના દિવસે એટલે કે 14 ઓક્ટોબરે સાથે જોઈશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here