બોલિવૂડના ઘણા ગાયકોએ ગુજરાતી ગીતો ગાયા છે. ચાહે એ કિશોર કુમાર હોય કે પછી મોહમ્મદ રફી હોય અનેક સુપ્રસિદ્ધ ગાયકોએ ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા છે. હવે આજના આધુનિક યુગની વાત કરીએ તો તેમાં અલકા યાજ્ઞિક હોય કે કુમાર સાનુ કે પછી શાન જેવા સિંગરો પણ ગુજરાતી ગીતો ગાઈ ચૂક્યા છે. જ્યારે તદ્દન નવી જ ફિલ્મની જાહેરાત થઈ રહી હોય ત્યારે બોલિવૂડના જાણીતા સિંગરનો હવે ગુજરાતી ફિલ્મોમાં પણ અવાજ સાંભળવા મળશે. ગોળકેરી ફિલ્મની ઘોષણા બાદ ગુજરાતી સિનેઉદ્યોગ રોમાંચિત અને વિસ્મિત છે.આ ફિલ્મમાં સાહિલની ભૂમિકામાં મલ્હાર ઠાકર અને હર્ષિતા તરીકે માનસી પારેખ વચ્ચે રચાતો પ્રેમસંબંધ એક નાજુક વળાંક પર તૂટી જાય છે. ત્યારે સાહિલના માતા-પિતાની ભૂમિકામાં વંદના પાઠક અને સચિન ખેડેકર તેમની અંતરંગ જિંદગીમાં પ્રવેશ કરે છે.  આ ગુજરાતી ફિલ્મ તાજેતરના સમયને નિરૂપે છે. આજના જનરેશનની  મુશ્કેલીઓ, તેમના વિચાર અને વલણને સુપેરે પ્રસ્તુત કરે છે. ફિલ્મનું સંગીત પણ આજના જમાનાને અનુરૂપ બનાવવામાં આવ્યું છે.  પોતાના જાજરમાન અવાજ અને કર્ણપ્રિય ગીતોથી લાખો લોકોને મંત્રમુગ્ધ કરનાર પ્રખ્યાત ગાયક મિકા સિંહ ગોળકેરી ફિલ્મથી ગુજરાતી પાર્શ્વગાયન ક્ષેત્રે પ્રવેશ કરે છે.

gujarati film godkeriતેમણે પહેલીવાર ગુજરાતી ગીત ગાયું છે. આ વિશે કેફિયત આપતા મિકા સિંહ કહે છે, ‘હું ગુજરાતી ભાષામાં ગાવાની તક શોધતો હતો, કેમ કે મેં ઘણી ભાષાઓમાં ગાયું છે. મારા ગુજરાતી ચાહકો માટે એક ગીત હોવું જ જોઈએ એવું મને કેટલાય વખતથી લાગતું હતું. હું જ્યારે પણ વિદેશ મુસાફરી કરું છું ત્યારે હું હંમેશાં મારા ટ્રેક્સ ગાઉં છું. હવે આ ટ્રેક્સમાં એક માતબર ને ધમાકેદાર ગુજરાતી ગીતનો ઉમેરો થશે એનો મને રોમાંચ છે. વિશેષ આનંદ છે કે એક ગુજરાતી ગીત કમ્પોઝ કરવાની મને તક મળી. ''સોણી ગુજરાતની'' ગીત મારી સાથે આલા દરજ્જાના ગાયક પાર્થિવ ગોહિલે ગાયું છે.મને આશા છે મારા ચાહકોને એ પસંદ આવશે.’  આ ગીત વિશે વાત કરતાં પાર્થિવ ગોહિલ કહે છે, ‘મિકા સિંહ સુપરસ્ટાર છે અને મારા પ્રિય મિત્ર પણ. અમે લગભગ ૨૦ વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. અમે ઘણાં વર્ષોથી ગુજરાતીમાં કોઈ ગીત બનાવવાનું વિચારી રહ્યા હતા. જ્યારે ગોળકેરી ફિલ્મ આકાર લઈ રહી હતી ત્યારે અમે આ તક ઝડપી લીધી અને ''સોણી ગુજરાતની'' ગીતની રચના થઈ. મિકાના આગવા અંદાજનો, સ્વરાંકનનો અને ગાયકીનો ત્રિવેણી સંગમ આ ગીતમાં થયો છે.’  

આ ગીત યુટ્યુબ પર રિલીઝ થયું છે અને ૭ ફેબ્રુઆરીએ ટ્રેલર રજૂ કરવામાં આવશે. ફિલ્મ ૨૮ ફેબ્રુઆરીએ રિલિઝ થઈ રહી છે.સોલ સૂત્ર નિર્મિત, વિરલ શાહ દિગ્દર્શિત, અમાત્ય ગોરડિયા-વિરલ શાહ લિખિત ‘ગોળકેરી’ ફિલ્મમાં મલ્હાર ઠાકર, માનસી પારેખ, સચિન ખેડેકર અને વંદના પાઠકે અભિનય આપ્યો છે. કિરુણ પરિહાર લિખિત ગીતનું સ્વરાંકન મિકા સિંહ તથા સ્નેહા દેસાઈ લિખિત ગીતનું સ્વરાંકન ઋષિકેશ, સૌરભ અને જસરાજે કર્યું છે. ફિલ્મના વિતરક કોકોનટ મોશન પિચર્સ છે અને મ્યુઝિક પ્રસ્તુતિ ઝેન મ્યુઝિકની છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here