ગુજરાતી સિનેમાના દિગ્ગજ એક્ટર અરવિંદ રાઠોડનું 80 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. અરવિંદ રાઠોડ ફોટોજર્નલિસ્ટમાંથી એક્ટર બન્યા હતા. તેમણે ગુજરાતી તથા હિંદી બંને ફિલ્મમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી સિનેમામાં અરવિંદ રાઠોડ મોટાભાગે વિલનનો રોલ પ્લે કરતા હતા.અરવિંદ રાઠોડના પિતા દરજી કામ કરતા હતા. જોકે, તેમણે પિતાને વ્યવસાય ના કરવાનો નિર્ણય કર્યો હતો.

  સ્કૂલ તથા કોલેજમાં એક્ટિંગ ક્ષેત્રે અનેક ઈનામો મેળવનાર અરવિંદ રાઠોડે નાટકમાં કામ કર્યું હતું. તેમણે બોલિવૂડ-ગુજરાતી એક્ટ્રેસ અરૂણા ઈરાનીના પિતા એફ આર ઈરાનીના નાટક 'મોટા ઘરની વહુ'માં કામ કર્યા બાદ અમદાવાદમાં કેટલાક નાટકોમાં કામ કર્યું હતું. 1967-68માં વિનોદ જાનીના નાટક 'પ્રીત પિયુ ને પાનેતર'માં કામ કરવાને કારણે મુંબઈ આવ્યા હતા. અહીંયા ફોટો જર્નલિસ્ટ તરીકે કામ કરતા અને રાજ કપૂરે ફિલ્મ 'મેરા નામ જોકર'માં નાનકડી ભૂમિકા આપી હતી. આ રીતે અરવિંદ રાઠોડ બિગ સ્ક્રીન સાથે જોડાઈ ગયા હતા.

અરવિંદ રાઠોડે 70ના દાયકામાં એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. તેમણે 'જ્હોની ઉસકા નામ', 'બદનામ ફરિશ્તે', 'મહાસતી સાવિત્રી', 'કોરા કાગઝ', 'ભાદર તારા વહેતા પાણી', 'સોન કંસારી', 'સલામ મેમસાબ', 'ગંગા સતી', 'મણિયારો', 'જાગ્યા ત્યારથી સવાર', 'મા ખોડલ તારો ખમકારો', 'મા તેરે આંગન નગારા બાજે', 'અગ્નિપથ', 'ખુદા ગવાહ', 'અબ તો આજા સાજન મેરે' સહિત 250થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું.અરવિંદ રાઠોડે ટીવી સિરિયલ 'થોડી ખુશી થોડે ગમ'માં પણ કામ કર્યું હતું. છેલ્લે તેઓ 2018માં ગુજરાતી ફિલ્મ 'ટેન્શન થઈ ગયુ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મને શ્રીદત્ત વ્યાસે ડિરેક્ટ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here